મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર માનવજીવનની ચાર ક્ષમતાઓ IQ - EQ - SQ - AQ
સદવિદ્યા ઓગસ્ટ - ૨૦૨૨
- સંકલિત
(૧) બુદ્ધિઆંક (ક્ષમતા) Intelligence Quotient
(૨) સાવેગિક આંક (ક્ષમતા) Emotional Quotient
(૩) સામાજિક આંક (ક્ષમતા) Social Quotient
(૪) વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા Adversity Quotient
(૧) બુદ્ધિ આંક IQ : આ માણસની સારગ્રહણ કરવાની ક્ષમતા દર્શાવે છે. ગણિતનાં કોયડા ઉકેલવા માટે, યાદ રાખવા માટે કે વાંચેલું ફરી યાદ કરવા માટે તેની જરૂર પડે છે.
(૨) સાંવેગિક આંક EQ : આ આંક તમે અન્ય વ્યક્તિઓ સાથે કેવી રીતે શાંતિથી વર્તી શકો છો, તમે કેટલા જવાબદાર છો, પ્રામાણિક છો, વિનમ્ર છો, સાચા છો વગેરે જેવી બાબતોનું મૂલ્યાંકન દર્શાવે છે.
(૩) સામાજિક આંક (ક્ષમતા) (SQ) : તમે અન્ય વ્યક્તિઓ કે મિત્રો સાથે કેવી રીતે સંબંધો રાખો છો અને લાંબા સમય સુધી આ સંબંધો કેવી રીતે જાળવી શકો છો તેની ક્ષમતા દર્શાવતો આંક છે.
જે લોકોનાં EQ અને SQ વધારે ઊંચા હોય તે લોકો જીવનમાં વધુ સફળ થઈ શકે છે; પરંતુ જેનો IQ (બુદ્ધિ ક્ષમતા) વધારે હોય અને EQ અને SQ બન્ને ઓછા (નીચા) હોય તો તેઓ બુદ્ધિ ક્ષમતા વધારે હોવા છતાં સફળ જીવન જીવી શકતા નથી. મોટા ભાગની શાળાઓ બુદ્ધિ આંક વધારવા પર જ ધ્યાન કેન્દ્રીત કરતી હોય છે. EQ અને SQ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતી હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વધુ સાવેગિક અને સામાજિક ક્ષમતા ધરાવતા વ્યક્તિને ત્યાં વધુ બુદ્ધિ આંક ધરાવતો માણસ નોકરી કરતો હોય છે.
તમારો EQ તમારા ચારિત્ર્યનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે SQ એ તમારો પ્રેરણાદાયી પ્રભાવ વ્યક્ત કરે છે જે ઈશ્વરની દેન કહી શકાય.
તમારી આ ત્રણ ક્ષમતાઓને વધુ શક્તિશાળી બનાવે તેવી આદતો જીવનમાં પાડવી જોઈએ - લાવવી જોઈએ ખાસ કરીને EQ અને SQ જીવનમાં ખૂબ મહત્વનાં છે.
(૪) વિષમ પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા : (AQ)
જીવનમાં સંઘર્ષના સમયનો સામનો કરવાની આવડત માપતી આ ક્ષમતા છે. હિંમત હાર્યા વગર મુશ્કેલીમાંથી બહાર નીકળવાની તેમાં કળા છે.
જ્યારે વિષમ પરિસ્થિતિઓ આવે ત્યારે કોણ હારી જશે, કોણ પોતાના કુટુંબને તરછોડી દેશે કે કોણ આત્મહત્યા કરી લેશે? તે આ ચોથો આંક કે તેની ક્ષમતા સૂચવે છે.
માતા-પિતાને નમ્ર વિનંતિ છે કે તમારા બાળકને માત્ર શિક્ષણ આપવાને બદલે જીવનનાં અન્ય પડકારો તરફ પણ અભિમુખ કરતા જાઓ. તેઓ જાતે કામ કરે, રમત-ગમત કે અન્ય કળાઓમાં રસ લે તે માટે તેમને પ્રેરો. આ બધું તેમને તેમની જાતે પસંદ કરવા દો... સજાના રૂપે નહીં.
તેમનો IQ નાં વિકાસની સાથે - સાથે EQ - SQ અને AQ નો પણ વિકાસ કરો. તેઓ માતાપિતાની મદદ વગર બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ બને તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
અંતમાં બાળકો માટે રસ્તા તૈયાર ન કરો, બાળકોને જ એવા તૈયાર કરો કે તે તેનો રસ્તો પોતાની જાતે જ શોધી લે. * * *
આ ચાર બાબતો જીવનના અંગભૂત છે. પ્રાચિન કે અર્વાચિન કાળમાં નાના કે મોટા, આદર્શ કે સાધારણ સર્વ માનવોના જીવનમાં સુખ-દુઃખ આવ્યા જ છે. જેઓ ઉપરની ચારે બાબતોમાં સંપૂર્ણ હતા તેઓ જે તે સંઘર્ષમય પરિસ્થિતિનો સામનો કરીને ભૌતિક કે આધ્યાત્મિક સફળતાને પામ્યા.
આ ચાર બાબતોમાંથી જે તે અંગની ન્યૂનતા હોય તો તે ખામી એ બાબતમાં જે એક્સપર્ટ હોય તેની પાસેથી શીખીને દૂર કરવી જ રહી. ગુરુની તો બધા ક્ષેત્રોમાં જરૂર પડે છે.